રાજસ્થાનના સુંદર શહેર જોધપુરમાં ફરવા લાયક છે આ 5 જગ્યા, જાણો તેના વિષે.

બોલીવુડની હિરોઈન પ્રિયંકા ચોપડા અને નીક જોનસ જોધપુરમાં સાત ફેરા લેશે. જોધપુરના પ્રસિદ્ધ પેલેસ ઉમ્મેદ ભવન માં તેમના લગ્ન થશે અને લગ્નની તમામ વિધિઓ મેહરાનગઢ કિલ્લામાં પૂરી થશે. ઉમ્મેદ ભવન અને મેહરાનગઢ જોધપુરની શાન કહેવામાં આવે છે, અને આ શહેરની સુંદરતા સામે મોટા મોટા કલાકારો પોતાનું દિલ હારી જાય છે. જોધપુરમાં માત્ર આ એક જ સ્થળ નથી જ્યાં તમને અદ્દભુત દ્રશ્ય જોવા મળશે. પરંતુ ઘણી બધી એવી જગ્યા અને કિલ્લા છે જે જોવા માટે ન માત્ર ભારત માંથી લોકો આવે છે, પરંતુ વિદેશો માંથી પણ ઘણા ટુરિસ્ટ આવે છે, અને અહિયાંના સુંદર દ્રશ્યોને કેમેરામાં કેદ કરીને પોતાના દેશ પાછા લઇ જાય છે.

રાજસ્થાનના સુંદર શહેર જોધપુરમાં ફરવા લાયક છે આ પાંચ સ્થળો. જો તમે રાજસ્થાન જાવ છો તો એક વખત જોધપુરના આ પેલેસ અને કિલ્લાનો આનંદ જરૂર લેશો.

રાજસ્થાનમાં સુંદર શહેર જોધપુરમાં ફરવાલાયક છે આ પાંચ સ્થળો :

ઉમ્મેદ ભવન પેલેસ અને મેહરાનગઢ કિલ્લાની ખાસિયતની સાથે-સાથે જોધપુરની આ સુંદર જગ્યાઓ વિષે પણ જરૂર જાણી લેવું જોઈએ.

મેહરાનગઢ કિલ્લો :

જોધપુર શહેરની શાન કહેવતો મેહરાનગઢ કિલ્લો, જેની ઉપર ત્યાં રહેવા વાળાને ઘણો ગર્વ હોય છે. કેમ કે આ કિલ્લાને જોવા માટે દર વર્ષે ભારત ઉપરાંત વિદેશ માંથી પણ ઘણા લોકો આવે છે. જોધપુર શહેરના દરેક ખૂણામાંથી દેખાતો આ સુંદર કિલ્લો લગભગ ૧૨૦ મીટર ઉંચો એક પહાડ ઉપર બનેલો છે, અને હવે તમે પોતે અંદાજો લગાવી શકો છો, કે આ જોધપુર શહેરનું ગૌરવ કેટલું વધારતું હશે.

ઉમ્મેદ ભવન પેલેસ :

જોધપુરનો ઉમ્મેદ ભવન આખી દુનિયામાં પ્રસિદ્ધ છે, અને તેને મહારાજા ઉમ્મેદ સિંહએ વર્ષ ૧૯૧૯ માં બનાવરાવ્યો હતો. આજે પણ તેની ચમક એકદમ એવી ને એવી જ રહેલી છે. આ પેલેસને હાલમાં ઉમ્મેદ સિંહના પૌત્ર ગજસિંહ સંભાળે છે, અને તેને ત્રણ ભાગમાં વહેચવામાં આવેલો છે. પહેલા ભાગમાં તે રહે છે, બીજામાં પ્રસિદ્ધ વ્યક્તિઓ લગ્ન કે બીજા સમારંભ કરાવે છે, અને ત્રીજા ભાગમાં મ્યુઝીયમ બનાવવામાં આવેલું છે.

જસવંત થાડા :

સફેદ દુધિયા પથ્થર માંથી બનેલા જસવંત થાડાને રાજસ્થાનનો તાજમહેલ માનવામાં આવે છે. અહિયાંના સુંદર ગુંબજ સુરજના કિરણોથી ઝગમગે છે. જોધપુરની વસ્તી અને ગલીઓ માંથી પણ તમને આ થાડો સરળતાથી દેખાઈ જશે. મેહરાનગઢ કિલ્લાની જમણી તરફ બનેલી આ સુંદર ઈમારતનું નિર્માણ મહારાજા જસવંત સિંહ દ્વિતીયની યાદમાં કરવામાં આવ્યું હતું.

કાયલાના ઝીલ :

જોધપુરની સુંદરતાને વધારે છે કાયલાના ઝીલ (તળાવ), જે શહેરના સેન્ટરથી ૧૦ કી.મી. દુર પશ્ચિમમાં બનેલું છે. આ ઝીલનું નિર્માણ વર્ષ ૧૮૭૨ માં પ્રતાપ સિંહએ કરાવ્યું હતું. જોધપુર આવવા વાળા એક વખત આ ઝીલને જરૂર જોવા આવે છે.

મંડોર ગાર્ડન :

મંડોર ગાર્ડન એક હરિયાળું સ્થળ છે. ઐતિહાસીક હોવાની સાથે-સાથે એને શહેરની કુદરતી સુંદરતા પણ માનવામાં આવે છે. જોધપુર પહેલા મંડોર મારવાડની રાજધાની હતું અને મંડોર ગાર્ડન જોધપુરથી ઉત્તર દિશામાં ૯ કી.મી. દુર બનાવવામાં આવ્યું છે. મંડોર ગાર્ડનની સુંદરતા એક વખત જોયા પછી વારંવાર અહિયાં આવવા માંગશો.