અમદાવાદથી ખાલી 4 કલાક દૂર આવેલી છે આ જોરદાર જગ્યા પરિવાર અને મિત્રો સાથે રજામા ફરિયાવો

0

ફરવાનું તો લગભગ દરેક લોકોને પસંદ હોય છે. અને એવામાં લાંબી રજામાં ફરવા જવું હોય તો એના માટે અનેક સ્થળો મળી જતા હોય છે, પરંતુ ટૂંકી રજા હોય અથવા તો એકાદ દિવસ માટે જ ફરવા જવું હોય, તો કઈ જગ્યાએ ફરવા જવાય એ વિચારવામાં અડધો દિવસ પસાર થઇ જાય છે. ઘણી વાર એવું થાય છે કે, લાંબી ચર્ચા પછી પણ કોઈ જગ્યા ન મળતા આપણે રજા ઘરે જ ગાળતા હોઈએ છીએ. પણ જો તમને પ્રકૃતિના સાનિધ્યમાં રહેવું ગમે છે, તો આજે અમે તમને એક એવી જગ્યા વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં જઈને તમે એકદમ ફ્રેશ થઈને આવશો.

મિત્રો અમે જે જગ્યા વિષે જણાવવાના છીએ એ જગ્યા છે, અમદાવાદથી 180 કિ.મી દૂર આવેલી હિંગોળગઢ સેન્ચુરી. આ અભ્યારણ્ય રાજકોટના જસદણ તાલુકામાં આવેલુ છે. અને સૂકાભઠ સૌરાષ્ટ્રમાં આટલો લીલોછમ વિસ્તાર જોઈને તમારી પણ નવાઈનો પાર નહિ રહે. અહીં ગાઢ જંગલમાં કુદરતની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે. અને વરસાદ દરમિયાન તો અહીં લીલોતરી ઓર વધી જાય છે, અને સાથે સાથે અનેક પ્રકારનું જીવન પણ પાંગરે છે. જે જોવાની ખુબ મજા આવે છે.

શું છે ખાસિયત?

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, હિંગોળગઢને 1980માં અભ્યારણ્ય ઘોષિત કરવામાં આવ્યું છે. તે 654 ચોરસ કિમી. ના વિસ્તારમાં પથરાયેલુ છે. અહીં તમને વૃક્ષો ઉપરાંત ઊંચુ ઘાસ જોવા મળશે. આ અભ્યારણ્ય અનેક પ્રકારના પ્રાણીઓ અને સરિસૃપોનું ઘર છે. તેમજ અહીંયા તમને ચિંકારા, નીલગાય, વરૂ, શિયાળ, શાહુડી, સસલા, જરખ જેવા અનેક પ્રાણીઓ પણ જોવા મળશે. કોઈક વાર સ્થાનિક લોકોને અહીં દીપડો પણ જોવા મળી જાય છે. એટલું જ નહિ આ જંગલમાં 230થી વધુ વિવિધતાના પક્ષીઓ જોવા મળે છે જેમાં બુલબુલ, લક્કડખોદ, બતક વગેરેનો સમાવેશ થાય છે.

મિત્રો, ચોમાસા અને શિયાળાના સમયે અહીં ફરવા જવાની ખૂબ જ મજા આવે છે. અને બાળકોને અહીંયા ખુબ મજા પડે છે. અહીં નેચર એજ્યુકેશન કેમ્પ્સનું પણ આયોજન થતુ હોય છે, જે તમે પણ એટેન્ડ કરી શકો છો. ઘણા કેમ્પ્સ 3 દિવસ અને 2 રાત જેટલા લાંબા પણ હોય છે. તમને અહીં કુદરતને ભરપૂર માણવાનો અને નેચર વિષે ઘણું શીખવા મળશે. તમારી સવાર બુલબુલના કલરવથી પડશે તો ક્યાંક તમને ઝાડીઓમાં છૂપાતુ શિયાળ જોવા મળશે. અહીં સરિસૃપો ભરપૂર માત્રામાં હોવાથી થોડુ સતર્ક રહેવુ પડે છે. અભ્યારણ્યમાં 19 પ્રકારના સાપ જોવા મળે છે.

કેવી રીતે પહોંચવું?

જણાવી દઈએ કે, આ જગ્યા અમદાવાદથી 180 કિ.મી દૂર આવેલી છે. એટલે કે અમદાવાદથી ચારથી પાંચ કલાકનો જ રસ્તો છે. રાજકોટથી આ જગ્યા 70 કિ.મી દૂર છે. રેલવેથી જવુ હોય તો ગોંડલ રેલવે સ્ટેશન 32 કિ.મી દૂર આવેલુ છે. નજીકનું બસ સ્ટેશન જસદણમાં 15 કિ.મી દૂર આવેલુ છે.

એન્ટ્રી ફી :

અહીં વ્યક્તિ દીઠ એન્ટ્રી ફી 20 રૂપિયા છે. પણ જો તમે કાર લઈને ગયા હશો તો તમારે 200 રૂપિયા એન્ટ્રી ફી ચૂકવવી પડશે એ વાતનું ધ્યાન રાખવુ.

સંપૂર્ણ સરનામું :

Jasdan-Ahmedabad highway, Taluka Vinchhiya, Post Amarapur, Rajkot District, Hingolgadh, Gujarat. Pin 360055.

ખાસ નોંધ :

આ અભ્યારણ્યમાં ધૂમ્રપાન કરવાની સખત મનાઈ છે. કારણ કે ધૂમ્રપાનને કારણે જંગલમાં આગ લાગી શકે છે. તેમજ ફ્લેશનો ઉપયોગ કરીને કે પ્રાણીઓને તકલીફ પડે તે રીતે ફોટોગ્રાફી કરવાની પણ મનાઈ છે. પ્રાણી-પક્ષીઓને ખલેલ ન પહોંચે તે માટે મ્યુઝિક સિસ્ટમ લઈ જવાની પણ મનાઈ છે. આ સાથે જ જો હિંગોળગઢ જવાનો પ્લાન હોય તો તમારી સાથે ઘણું બધુ પાણી જરૂર રાખવું.