ભગવાને આપણને બુદ્ધિ અને શક્તિ બંને આપ્યા છે, એટલા માટે આપણે કોઈના ઉપર આશ્રિત રહેવું ના જોઈએ

0

મિત્રો, એક જૂની વાર્તા મુજબ એક ગામમાં એક ખેડૂત રહેતો હતો. તે પોતાની મહેનતથી પૈસા કમાતો હતો અને પોતાના પરિવારનું પોષણ કરતો હતો. તેની મહેનતની દરેક લોકો પ્રસંશા કરતા હતા. ઘણા લોકો કહેતા હતા કે, જો તે આ રીતે જ મહેનત કરતો રહેશે તો એક દિવસ ઘણો આગળ નીકળી જશે. ખેડૂત પણ મનમાં ને મનમાં ખુશ રહેતો અને તેનું ધ્યાન વધુ મહેનત કરવા તરફ રહેતું. એવામાં એક દિવસ ખેડૂત એક જંગલમાં લાકડા કાપવા ગયો.

ખેડૂત સામે આવ્યા શિયાળ અને સિંહ :

જયારે ખેડૂત જંગલમાં લાકડા કાપી રહ્યો હતો તે સમયે તેણે જોયું કે, એક શિયાળ થોડે દુર ઉભું છે, તેને બે પગ નથી, પરંતુ તે એકદમ સ્વસ્થ છે. ખેડૂતના મગજમાં વિચાર આવ્યો કે, પગ વગર પણ આ શિયાળ સ્વસ્થ કેમ છે? અને શિયાળ જીવતું કેમ રહે છે? થોડી વાર પછી એક સિંહની ત્રાડ ખેડૂતને સંભળાઈ અને તે છુપાઈને ઝાડની પાછળ બેસી ગયો.

ખેડૂતે વિચાર્યું હવે આ શિયાળનો શિકાર તો આ સિંહ કરી લેશે. પરંતુ તેણે જે જોયું તેનાથી તેના હોંશ ઉડી ગયા. તેણે જોયું કે સિંહ પોતાના મોઢામાં શિકાર દબાવીને લાવ્યો છે, અને શિયાળ સામે તેમાંથી થોડો ભાગ મૂકી દીધો જેથી તે પણ ભોજન કરી શકે. તેણે શિયાળને કાંઈ ન કર્યું.

ખેડૂતે વિચાર્યું આ તો ઘણું જ વિચિત્ર બની ગયું. આ બધી ભગવાનની કૃપા છે. તે કેટલો દયાળુ છે જે તેણે બધા માટે વિચાર્યું છે. તેણે વિચાર્યું કે ભગવાન માત્ર માણસોને જ નહિ પરંતુ જાનવરો માટે પણ વિચારે છે, અને ભગવાન દરેકના ભોજનની વ્યવસ્થા કરી દે છે. તેવું વિચારીને ખેડૂતે કુહાડી ફેંકી દીધી અને બેસીને રાહ જોવા લાગ્યો કે, હવે તેના માટે પણ ક્યાંકને ક્યાંકથી કોઈ ભોજન લઈને જરૂર આવશે.

ખેડૂત કામધંધો છોડીને દિવસ આખો ભગવાનનું ધ્યાન કરતો રહ્યો, પરંતુ કોઈ તેના ખાવા માટે કોઈ વસ્તુ ન લાવ્યા. એવું કરતા કરતા ઘણો સમય પસાર થઇ ગયો, પરંતુ કોઈ ભોજન ન આવ્યું. હવે ભૂખના માર્યા તેની હાલત એકદમ ખરાબ થવા લાગી. તે બેઠા બેઠા દુઃખી થવા લાગ્યો. તે સમયે એક સંત તે રસ્તેથી પસાર થઇ રહ્યા હતા. ખેડૂતને દુઃખી જોઈ તેની પાસે ગયા અને કહ્યું કે શું વાત છે? તને કઈ વાતનું દુઃખ થયું છે?

ખેડૂતે શિયાળ અને સિંહ વાળી વાત સંતને જણાવી. સંતે કહ્યું, તું આટલો મુર્ખ કેવી રીતે હોઈ શકે છે? જે દ્રશ્ય તે તારી સામે જોયું તેનો ખોટો ઉપદેશ કેમ લઇ લીધો. તે જોયું કે શિયાળ માટે સિંહ ખાવાનું લાવ્યો અને તે પોતાને શિયાળ સમજી લીધો. જયારે તારે જોવું જોઈતું હતું કે તેના બે પગ ન હતા અને તારી પાસે હાથ પગ બધું છે. આ વાર્તામાં તું સિંહ છો, જેણે પોતાની સાથે સાથે બીજાની પણ મદદ કરવાની છે.

આજે તું પોતે પણ ભૂખ્યો બેઠો છે અને કુટુંબને પણ ભૂખ્યું રાખ્યું, જયારે તારું કામ લાકડા કાપીને ધન કમાવા અને ભોજન ખરીદવાનું હતું. ખેડૂતે કહ્યું મહારાજ, મને તમારી વાત સમજાઈ ગઈ છે, મારાથી આ મોટી ભૂલ થઇ ગઈ જે હું ભગવાનનો સંકેત ન સમજી શક્યો. હું મહેનતથી કમાતો હતો તો મારે આજ સુધી ભૂખ્યા બેસવું પડ્યું નથી. આજે મેં હાથ રોકી દીધા તો ખાવામાં કાંઈ ન મળ્યું, હું હવે મહેનત કરતો જઈશ અને કુટુંબનું ભરણપોષણ કરીશ. ભગવાને આપણને શક્તિ અને બુદ્ધી બંને જ આપ્યા છે, જેનાથી આપણે આપણું ભાગ્ય જાતે જ લખી શકીએ છીએ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.