જાણો જગદીશ મંદિરના ઇતિહાસ અને નિર્માણ વિષે, અને ત્યાંના પૂજારી સાથેની વિશેષ વાતચીત

0

જગદીશ મંદિર ઉદયપુરનું ઘણું જ સુંદર, પ્રાચીન અને પ્રખ્યાત મંદિર છે. આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં એનું પોતાનું એક વિશેષ સ્થાન છે. સાથે જ મેવાડના ઇતિહાસમાં પણ એનું યોગદાન રહ્યું છે. આ મંદિર ઉદયપુરમાં રોયલ પેલેસની નજીક આવેલું છે. આ મંદિર ભારતીય આર્ય સ્થાપત્ય કળાનું ઉત્તમ ઉદાહરણ છે. જેમ કે આ મંદિર ઉદયપુરની શાન છે એટલા માટે ઉદયપુર વિષે થોડી સંક્ષિપ્ત જાણકારી પણ આપી દઈએ.

ઉદયપુર તળાવ, પહાડ, મહેલો, ઐતિહાસિક ઇમારતો અને દર્શનીય સ્થળોથી સુશોભિત એક સુંદર શહેર છે. મહારાણા ઉદયસિંહે સન. 1553 માં ઉદયપુરને પોતાની રાજધાની બનાવી, જે 1818 સુધી મેવાડની રાજધાની રહી.

મંદિર નિર્માણ :

જગદીશ મંદિરનું નિર્માણ મહારાજ જગત સિંહે સન. 1651 માં કરાવ્યું હતું, એ સમયે ઉદયપુર મેવાડની રાજધાની હતું. આ મંદિર લગભગ 400 વર્ષ જૂનું છે. આ ઉદયપુરનું સૌથી મોટું મંદિર છે. મંદિરમાં રહેલી ચાર હાથવાળી ભગવાન વિષ્ણુની મૂર્તિ કાળા પથ્થરમાંથી બનેલી છે.

જાણો જગદીશ મંદિરના ઇતિહાસ અને નિર્માણ વિષે પૂજારી સાથે થયેલી વાતચીત :

મંદિર ભ્રમણ :

આ મંદિર આખા જગતના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આને જગન્નાથ મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. આની ઊંચાઈ 125 ફૂટ છે. આ મંદિર 50 કલાત્મક સ્તંભ(થાંભલા) પર ટકેલું છે. આ મંદિર સીટી પેલેસથી થોડે જ દૂર આવેલું છે. અહીંથી સીટી પેલેસનો ‘વારા પોલ’ સ્પષ્ટ જોઈ શકાય છે. તેમજ ગણગૌર ઘાટ પણ અહીંથી નજીક છે. મંદિરમાં ભગવાન જગન્નાથનો શૃંગાર ઘણો સુંદર રીતે કરવામાં આવે છે. શંખ, ધજા, કમળ અને ચક્રધારી શ્રી જગન્નાથજીના દર્શન કરી ધન્યતા અનુભવાય છે.

એમના દર્શન કરવા પર સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. મંદિરના બધી વ્યવસ્થાઓ ઘણી સારી છે. આ મંદિરમાં મુખ્ય મૂર્તિ સિવાય ગણેશજી, શિવજી, માતા પાર્વતી અને સૂર્યદેવની મૂર્તિ પણ છે. મંદિરના દ્વારપાલના રૂપમાં પગથીયા પાસે બે હાથીઓની મૂર્તિઓ પણ છે. મંદિરની પ્રદક્ષિણા કરવા પર એની સુંદરતા અને સ્થાપત્ય કલા પર લોકો મોહિત થઇ જાય છે.

મંદિરના સ્તંભો પર ઝીણવટભર્યું નકશીકામ પણ કરવામાં આવ્યું છે. અને મંદિરની ઉત્તમ શિલ્પકારી અને કલાત્મકતા ખરેખર દર્શનીય છે. અહીં સ્તંભો પર ઘણી બધી નાની-નાની શિલ્પ કલાકૃતિઓ છે જેમને જોઈને લાગે છે કે, જાણે તે કોઈ વાર્તા કહી રહી છે. મંદિરની અંદર લાગેલા શિલાલેખ આપણને ઇતિહાસ વિષે ઘણું બધું જણાવે છે.

પૂજારી સાથે વિશેષ વાતચીત :

મંદિરમાં ભ્રમણ દરમ્યાન મંદિરના પૂજારી સાથે થયેલી મુલાકાત અને એમની સાથે વિશેષ વાતચીત કરવા પર એમણે જણાવ્યું કે, ભગવાન જગન્નાથની આ મૂર્તિ ડુંગરપુર પાસે કુનવા ગામમાં એક ઝાડની નીચે ખોદકામ કરતા સમયે પ્રાપ્ત થઇ હતી. ત્યારથી લઈને મંદિરનું નિર્માણ કાર્ય પૂરું થવા સુધી ભગવાન જગન્નાથની મૂર્તિને એક પથ્થર પર રાખીને એમની પૂજા-આરાધના કરવામાં આવી હતી. એ પથ્થર આજે પણ મંદિરમાં છે. પૂજારીનું કહેવું છે કે, એના સ્પર્શ માત્રથી શરીરના બધા દુઃખ દૂર થઇ જાય છે.

પુજારીને આગળ પૂછવા પર એમણે જણાવ્યું કે, આ મંદિરમાં દિવસમાં પાંચ વાર આરતી કરવાનું વિધાન છે, અને એની શરૂઆત સવારની મંગળા આરતીથી થાય છે. ભગવાન જગન્નાથની રથયાત્રા ઘણી મહત્વપૂર્ણ અને દર્શનીય તેમજ રોમાંચકારી હોય છે. એમાં ભગવાન પાલખીમાં વિરાજમાન થઈને ભક્તોના ખભા પર સવાર થઈને આખા શહેરમાં ભ્રમણ કરે છે. એમણે જણાવ્યું કે હોળીના અવસર પર અહીં ફાગોત્સવ ઉજવવામાં આવે છે. એના સિવાય શ્રાવણમાં ભગવાન જગન્નાથ હિંડોળા પર વિરાજમાન રહે છે.

મંદિર દર્શનનો સમય :

મંદિરમાં દર્શનનો સમય સવારે 4:15 થી બપોરે 1:00 વાગ્યા સુધી, અને સાંજે 5:15 થી લઈને રાત્રે 8:00 વાગ્યા સુધીનો છે.

આ માહિતી ઉદયપુર બ્લોગ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.