શેરડીથી 50-60 લાખ રૂપિયાની કમાણી કરવા વાળો ખેડૂત, જેને 7 લાખ ખેડૂત કરે છે સોશિયલ મીડિયા પર ફોલો

0

મહારાષ્ટ્રમાં સાંગલી જીલ્લાના સુરેશ ક્બાડે પોતાના ખેતરમાં પ્રતિ એકર ૧૦૦ ટનથી વધુ શેરડીનું ઉત્પાદન લે છે. ભારતના બીજા રાજ્યોના ખેડૂત ત્રણ એકરમાં જેટલી શેરડી ઉગાડે છે, તેનાથી વધુ તે એક એકરમાં ઉગાડે છે. શેરડીના ઉત્પાદનના રેકોર્ડ બનાવનાર આ ખેડૂત શેરડીમાંથી વર્ષમાં ૫૦-૬૦ લાખની કમાણી કરે છે. સોશિયલ મીડિયા ઉપર ૭ લાખથી વધુ ખેડૂત તેને ફોલો કરે છે, તો હજારો ખેડૂત ભારતના જુદા જુદા ખુણામાંથી શેરડીની ખેતી શીખવા એમના ઘરે આવે છે.

થોડા દિવસો પહેલા મહારાષ્ટ્ર સરકારે એમને કૃષિ ક્ષેત્રનો મોટો એવોર્ડ આપવાની જાહેરાત કરી. તે દરમિયાન ગામ કનેક્શનની ટીમ મુંબઈથી લગભગ ૪૦૦ કી.મી. આગળ સાંગલી જીલ્લામાં તેમના ગામ કારનબાડી પહોંચી. પુણે-બેંગલુરુ હાઈવે ઉપર વસેલા આ ગામમાં સુરેશ ક્બાડેના રસ્તે ચાલીને ૭૦ ટકાથી વધુ ખેડૂત પ્રતિ એકર ૧૦૦ ટન શેરડી લે છે.

તે શેરડીની આટલી સારી ઉપજ કેવી રીતે લે છે? એ પ્રશ્નનો જવાબ આપવા સુરેશ ક્બાડે ખેતરમાં ઉતરીને એક શેરડીને પકડીને કહે છે, તમે આની ઉંચાઈ જોઈ રહ્યા છો, હજુ આ માત્ર ૮ મહિનાની છે પણ આટલી મોટી છે. પહેલા અમારે ત્યાં પણ એક એકરમાં ૩૦૦ થી ૪૦૦ ક્વિન્ટલ શેરડી ઉત્પન થતી હતી. પરંતુ હવે ૧૦૦૦ થી ૧૧૦૦ ક્વિન્ટલ પ્રતિ એકર થાય છે. તેના માટે અમે શેરડીના બીજ પસંદ કરવાથી લઈને વાવણી અને ખાતર તેમજ જંતુનાશક આપવામાં ઘણી નવી ટ્રીક અપનાવી છે.

સુરેશ ક્બાડેએ ઉત્તમ શેરડી ઉત્પાદન માટે સારા પ્રકાર (જાતી – ૮૬૦૩૨) ના બીજ પણ વિકસાવ્યા છે. ટીશું કલ્ચરમાંથી વિકસિત આ બીજોમાં ખર્ચ ઓછો અને ઉત્પાદન સારું થાય છે. જયારે તેમાં બીજી શેરડીની અપેક્ષાએ રોગ પણ ઓછા લાગે છે. સુરેશ માત્ર ૯ મું ધોરણ પાસ છે, પરંતુ ખેતીના વેજ્ઞાનિક એન્જીનીયર લોકો પણ તેની પાસેથી ખેતીની ટ્રીક શીખવા આવે છે. સુરેશના કહેવા મુજબ તેનો મોટાભાગનો સમય ખેતરમાં જાય છે, અને તે પણ એ વિચારવામાં કે ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન કેવી રીતે લઇ શકાય?

હાલના દિવસોમાં વધુ વરસાદ થયો હતો, મહારાષ્ટ્રના આ વિસ્તારની કાળી ભીની માટી પગમાં ચુંબકની જેમ ચોંટી રહેતી હતી, ખેતરમાં ચાલવું મુશ્કેલ હતું. તેમ છતાં પણ તે ગામ કનેક્શન ટીમ અને આજુબાજુના શેરડીના ખેડૂતોને લઈને ખેતરમાં ગયા. તેમણે શેરડીને ઉત્તમ ઉત્પાદનના માટે બીજા ખેડૂતોને ૪ વાતો ધ્યાનમાં રાખવા કહ્યું.

માટી – ખેતરમાં ન બાળો કચરો, અપનાવો ઉત્પાદન ચક્ર :

પગમાં ચોંટેલી માટી કાઢતા તેઓ કહે છે, અમારે ત્યાં વધુ ઉત્પાદન પાછળ આ માટીનો ઘણો મોટો હાથ છે. પહેલા અમે પણ શેરડીનો કચરો સળગાવી દેતાં હતા, કેળાના થડ ફેંકી દેતાં હતા પરંતુ હવે બધા ખેતરમાં ભેળવે છે. જે ખેતરમાં એક વખત શેરડી વાવે છે તેમાં આવતા વર્ષે ચણા કે કેળા ઉગાડે છે. પાક ચક્રનું ખાસ ધ્યાન રાખે છે અને ખાતરનો સંતુલિત પ્રમાણમાં ઉપયોગ કરે છે.

લાઈન બદ્ધ વાવણીના ફાયદા – ટ્રેક્ટરમાંથી નીંદણ અને ખાતર નાખવામાં સરળતા :

સુરેશ ક્બાડે શેરડીથી શેરડી વચ્ચેનું અંતર ૫ થી ૬ ફૂટનું રાખે છે. લાઈન એકદમ એવી હોય છે, જેવા કે કોઈ કોમ્પ્યુટરની ડીઝાઈન બનાવવામાં આવી હોય. અને તેમાં ખાતર પણ એવું નાખવામાં આવે છે કે, એક એક દાણો છોડને મળે. સુરેશ શેરડી અને કેળાની એક સાથે ખેતી પણ કરે છે. ફોટામાં મજુર છોડની બાજુમાં નાળ બનાવીને ખાતર નાખી રહ્યો છે, ત્યાર પછી તેને ઉપરથી ઢાંકી દેવામાં આવે છે.

શેરડીની લાઈન (છોડ) પાસે એક મજુર કોદાળીથી નાળ બનાવે છે. બીજો જુદા જુદા પ્રકારોના ખાતર તેમાં નાખે છે. જયારે ત્રીજો મજુર તેને પાવડાથી ઢાંકી દે છે, જેથી તડકાથી ખાતર વરાળ બનીને ઉડે નહિ અને મૂળ પાસે પહોંચીને છોડને પૂરું પોષણ આપે. તેની સાથે જ લાઈનથી લાઈનનો ફાયદો એ થાય છે કે ટ્રેક્ટરથી સમય સમયે નિંદામણ અને ખાતર, જંતુનાશકનો છંટકાવ સરળતાથી થઇ જાય છે. તેની સાથે જ એક છોડથી બીજા છોડ વચ્ચે વધુ અંતર હોવાથી તડકો પણ મૂળ સુધી પહોંચે છે.

બીજની પસંદગી – જે શેરડીમાં ઓછી હોય શુગર, તેની કરો વાવણી :

જુનમાં વાવવામાં આવેલી શેરડી, જે લગભગ ૨ ફૂટની થઇ ગઈ હતી. તેને જોતા સુરેશ કહે છે, સાંગલી જીલ્લામાં મોટાભાગે ખેડૂત જુનથી ઓગસ્ટ સુધી શેરડીની વાવણી કરે છે. હું જુન જુલાઈમાં મોટાભાગનું કામ પૂરું કરી દઉં છું. શેરડી ઉત્પાદન માટે સૌથી જરૂરી વસ્તુ બીજની પસંદગી છે. મેં મારા માટે ટીશું કલ્ચરમાંથી પોતાની જાત ૮૬૦૩૨ વિકસિત કરી છે. હું પોતે અને બીજા ખેડૂતોને જે સીડ આપું છું તે ૧૦ મહિનાના હોય છે. જેથી તેમાં શુગરનું પ્રમાણ ઓછું હોય છે. તેનાથી શેરડીમાં રોગ ઓછો લાગે છે.

કેવી રીતે બનાવે છે ટીશુ કલ્ચર :

આખા ખેતરમાંથી પસંદ કરાયેલ ૧૦૦ શેરડીમાંથી એકથી બને છે ટીશુ કલ્ચર. એટલે એક છોડના ઉતક (ટીશ્યુ) અથવા કોશિકાઓ પ્રયોગશાળાની વિશેષ પરિસ્થિતિઓમાં રાખવામાં આવે છે, જેમાં પોતે રોગ રહિત વધવાની અને પોતાના જેવા બીજા છોડ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોય છે. સુરેશ પોતાના આખા ખેતરમાંથી ૧૦૦ સારી (જાડી, લાંબી અને રોગ રહિત) શેરડી પસંદ કરે છે. એમાંથી ૧૦ તે સ્થાનિક લેબમાં જાય છે, જ્યાં વૈજ્ઞાનિક એક શેરડી પસંદ કરે છે અને ૧ વર્ષમાં એમાંથી ટીશુ બનાવીને આપે છે.

સુરેશ જણાવે છે કે, એના માટે લગભગ 8 હજાર રૂપિયા તે લેબને આપે છે. તેઓ એ છોડ બનાવીને આપે છે, તેને એફ-૧ કહેવામાં આવે છે. પહેલા વર્ષે ઓછું ઉત્પાદન થાય છે, પણ બીજા વર્ષના એફ-૨ પીરીયડ અને ત્રીજા એફ-૩ માં ઘણું સારું ઉત્પાદન થાય છે. ત્યારબાદ હું તે શેરડીને ફરીથી બીજ નથી બનાવતો.

શેરડીને લીલા પાંદડાઓથી બાંધો નહિ :

સુરેશ ક્બડે જણાવે છે કે, ઘણા રાજ્યોમાં ખેડૂત શેરડીને સીધી ઉભી રાખવા માટે બાંધી દે છે. પરંતુ તે રીત મને યોગ્ય ન લાગી. કેમ કે શેરડીનું ભોજન તેના પાંદડામાં હોય છે અને જયારે લીલા પાંદડાથી શેરડીને બાંધી દેવામાં આવે છે તો પાંદડામાં જમા ભોજન શેરડીને નથી મળી શકતું. પાંદડા સુકાઈને ત્યાં નીચે પડે છે, જેના પોષક તત્વ શેરડીમાં આવી ચુક્યા હોય છે. શુરેશ ક્બાડે એ પણ કહે છે, અમારા મહારાષ્ટ્રમાં કહેવત છે, જેની શેરડી પડી તે ખેડૂત ઉભો થઇ જાય છે.

પ્રતિ એકર કમાણી : ૨ લાખથી વધુની કમાણી.

સુરેશ ક્બાડે જણાવે છે કે, અમારા ખેતરોમાં સરેરાશ ૧૦૦ ટન (૧ ક્વિન્ટલ) પ્રતિ એકર શેરડી ઉત્પન થાય છે. મહારાષ્ટ્રમાં શેરડીના ભાવ ૩૦૦૦ રૂપિયા પ્રતિ ટન છે. એટલે એક એકરમાં ૩ લાખ રૂપિયા મળે છે. તેમાં ૭૦-૮૦ હજાર ખર્ચ થાય છે. તે દરવર્ષે ૧૫-૨૦ એકર શેરડી, ૫-૬ એકર કેળા અને એટલા જ હળદર વાવે છે. વચ્ચે ચણાની ઉપજ પણ લે છે.

સુરેશ ક્બાડેની કમાણીનું મોટું કારણ શેરડીના સીડ પણ છે. તે ૫-૬ એકર શેરડીના બીજ માટે વાવે છે, જે માત્ર ૧૦ મહિનામાં તૈયાર થાય છે. આ ખેતરની શેરડી તે ૯ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વેચે છે, જેનાથી લગભગ સાડા ત્રણ લાખ રૂપિયા પ્રતિ એકરની આવક થાય છે. તેના ખેતરની શેરડી, મહારાષ્ટ્ર, કર્નાટક, ગુજરાત અને મધ્ય પ્રદેશ સુધીના ખેડૂત લઇ જાય છે.

ફેસબુક, વોટ્સઅપ અને યુટ્યુબ ઉપર લાખો ફોલોવર :

સુરેશ પોતે ભલે વધુ ભણી શક્યા નથી. પરંતુ તેમણે ખેતીની પ્રયોગશાળા બનાવી દીધી છે. હવે બીજા લોકો તેની પાસે શીખવા આવે છે. ફેસબુક ઉપર તે સુગરકેન ગ્રોવર ગ્રુપ ‘sugar cane growers of india’ ના એડમીન છે, જેના ૪૭ લાખ ફોલોવર છે. તેમની યુટ્યુબ ચેનલ પણ છે, જેને તે અને તેમના સાથી અમોલ પાટીલ સાથે મળીને ચલાવે છે. તેની સાથે જ તેમના ઘણા વોટ્સઅપ ગ્રુપ છે, જેના દ્વારા તે દરેક વર્ષે લાખો લોકો સુધી શેરડી સાથે જોડાયેલી માહિતી પહોચાડે છે. અમોલ પાટીલ કહે છે, અમારા બનાવેલા વિડીયો એક મહિનામાં તમામ પ્લેટફોર્મ મળીને લગભગ ૭ લાખ લોકો સુધી પહોચે છે.

તમે સુરેશ ક્બાડેના આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો – ૯૪૦૩૭૨૫૯૯૯

શું કહે છે ખેડૂત?

“સુરેશજી ક્બાડે પ્રગતીશીલ શોધ કરી છે. તેની કામગીરી જોઇને તેમાંથી શીખીને બીજા ખેડૂત પણ તે શેરડીની પ્રગતીશીલ ખેતી કરી રહ્યા. આ કારનવાડી ગામની ખાસિયત એ છે કે, અહિયાં ૧૦૦ ટકા ખેડૂત શેરડી ઉગાડે છે અને તેમાંથી ૭૦ ટકા ખેડૂત ૧૦૦ ટન પ્રતિ એકરનું ઉત્પાદન લે છે. હું પોતે ૭ વર્ષથી ખેતી કરું છું અને ૨૦-૨૫ એકર શેરડી ઉગાડું છું. બીજી થોડી કબાડે અન્ના પાસેથી શોખ્યો છું. સુરેશ અન્નાને રાષ્ટ્રીય કક્ષા ઉપર રોલ મોડલ બનાવવા જોઈએ.” – અમોલ પાટીલ, શેરડી ખેડૂત સાંગલી.

ઉપરના ફોટામાં પોતાના ગામના પાડોશી ખેડૂત અમોલ પાટીલ સાથે સુરેશ ક્બાડે.

૨૦૦૭માં અમે અન્ના (સુરેશ ભાઈ)ને ત્યાં પહેલી વખત આવ્યા હતા, ત્યારથી તેમની પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. પહેલા અમે લોકો એક એકરમાં આશરે ૪૦-૪૫ ટન શેરડી લેતા હતા. પરંતુ હવે ૧૦૦થી ૧૨૫ ટન સુધી ઉત્પાદન થવા લાગ્યું છે. – વિનોદ રાજારામ સાખવાલે, પાડોશી ગામના શેરડી ખેડૂત.

ખાસ મુદ્દા :

પોતાના ખેતરમાં ૧૦૦૦-૧૧૦૦ ક્વિન્ટલ પ્રતિ એકર ઉગાડે છે સુરેશ ક્બાડે.

મહારાષ્ટ્રનો આ ખેડૂત ઉગાડી ચુક્યો છે ૧૯ થી ૨૧ ફૂટ સુધીની શેરડી.

સાંગલીના સુરેશ ક્બાડેએ વિકસાવી છે શેરડી ઉત્પાદનની પોતાની ટેકનીક.

દેશના ઘણા રાજ્યોના હજારો ખેડૂત તેની પાસે ખેતી શીખી કમાઈ રહ્યા છે નફો.

આ માહિતી ગાવ કનેક્શન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.