તમે પણ ઓનલાઈન આ કામ કરતા હોય તો ચેતી જજો રાત્રે પરિવાર સાથે ગરબા રમીને આવ્યા બાદ યુવકે કરી આત્મહત્યા

0

નમસ્કાર વાચક મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો આજકાલ આત્મહત્યાના બનાવો ઘણા વધી રહ્યા છે. આત્મહત્યા કરવાના કેટલાય કારણો હોઈ શકે છે, જેમાં મુખ્ય કારણોમાં દેવું વધી જવું, ધંધામાં ખોટ જવી, ખેતીમાં પાક નિષ્ફળ જવો, પ્રેમમાં નિષ્ફળતા મળવી અથવા વારંવાર શોષણ થવું વગેરે ગણી શકાય. આત્મહત્યા કરવાના બનાવોમાંથી મોટાભાગના બનાવો પાછળ આમાંથી કોઈ એક કારણ હોય છે.

જયારે વ્યક્તિની ધીરજ ખૂટી જાય, તેનો આત્મવિશ્વાસ તૂટી જાય કે પોતાને હારેલો માની લે ત્યારે તે આ પ્રકારનું પગલું ભરે છે. હાલમાં જ રાજકોટમાંથી આત્મહત્યાનો એક બનાવ લોકો સમક્ષ આવ્યો છે, જેનું કારણ ઘણું ચોંકાવનારું છે. અહીં નાનામવા રોડ સ્પીડ વેલ પાર્ટી પ્લોટની નજીક આવેલ ધ કોર્ટ યાર્ડ બિલ્ડીંગના બી/૩૦૪ માં રહેતાં 39 વર્ષીય કૃણાલ હરીશભાઈ મહેતા નામના વ્યક્તિએ થોડા દિવસ પહેલાં જ પોતાના ફલેટના ગ્રાઉન્ડમાં આવેલાં કુવામાં કૂદીએ આત્મહત્યા કરી લીધી હતી.

સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ગુરુવારનો આ બનાવ છે. આત્મહત્યા કર્યાના એક દિવસ પહેલા એટલે કે બુધવારે રાત્રે કૃણાલ પોતાની પત્ની અને બે બાળકો સાથે ગરબા રમવા ગયો હતો. રાત્રે પરિવાર સાથે ઘરે આવ્યા તેઓ સુઈ ગયા હતા. પછી ગુરુવારે વહેલી સવારે કૃણાલ ઘરેથી નીકળી ગયો હતો. એના ઘરવાળાએ એવું માન્યું હતું કે, તે રોજની જેમ વોકિંગ માટે કે નાસ્તો લેવા ગયા હશે. પણ ઘણો સમય થઈ જવા છતાં તે પાછા આવ્યા ન હતા.

એવામાં સવારે નવેક વાગ્યા પછી તેમની તપાસ કરતા તેમના ફ્લેટ નીચે જ આવેલા કુવામાંથી કૃણાલની લાશ મળી હતી. એ પછી તરત જ તાલુકા પોલીસને જાણ કરી દેવામાં આવતા તેમણે તપાસ શરૂ કરી હતી. પરિવારજનોને આનું કારણ પૂછવામાં આવ્યું, તો તેમણે જણાવ્યું કે અમે આ બાબતે કશું નથી જાણતા.

પછી એમના સામાનની તપાસ કરવા દરમ્યાન ઘરમાં પડેલા એમના પર્સમાંથી એક સ્યુસાઈડ નોટ મળી હતી. આથી એ સ્પષ્ટ થયું કે યુવકે આપઘાત કર્યો છે. આ કેસમાં પોલીસના જણાવ્યા મુજબ, કૃણાલે પોતાની સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે, હું ઓનલાઈન પોકર ગેમમાં 75 લાખ હારી ગયો છું. મેં મારા ભાઈબંધો-દોસ્તોના ડેબિટ અને ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કર્યો છે. મારા ફ્રેન્ડસને બે હાથ જોડીને નમ્ર વિનંતી કે, મારા માતા-પિતા પરિવારને હેરાન કરશો નહીં.

જો કે કૃણાલની સ્યુસાઈડ નોટમાં બીજા કોઈ નામ નથી લખ્યા, તેમજ કોઈ ઉઘરાણી કરતુ હોય એવું પણ જણાવ્યું નથી, એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે તેણે ત્રાસને લઈને આપઘાત નથી કર્યો. સ્યુસાઈડ નોટ મળ્યા પછી પોલીસે એ યુવકે કયા કયા મિત્રો, પરિચિતોના ડેબિટ અને ક્રેડીટ કાર્ડ ઉપયોગ કર્યા હતા અને તેના ઓનલાઈન ટ્રાન્ઝક્શન ચકાસવા માટે બેંકમાંથી ડિટેઈલ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે.

સાથે જ એની પણ તપાસ કરવામાં આવશે કે, યુવકે જેના કાર્ડ યુઝ કર્યા છે તેઓને આ જુગાર વિશે ખ્યાલ હતો કે કેમ? અને તેની ઓનલાઈન ગેમ આઈ.ડી. વિષે પણ તપાસ કરવામાં આવશે કે, તે કઈ આઈ.ડી.માંથી રમતો હતો? કોની સાથે રમતો હતો? તેણે કોને રકમ ચૂકવવાની બાકી હતા વગેરે. તો હવે લોકો જુગાર પણ ઓનલાઈન રમવા લાગ્યા છે. આ રીતે એમને પોલીસ દ્વારા પકડવાનો ડર નથી રહેતો, કારણ કે તે એકલા કોઈ જગ્યાએ બેસીને મોબાઈલ પર જ જુગાર રમી લે છે, એટલે પોલીસ દ્વારા રેડ પાડવાના ચાન્સ એકદમ નહિવત થઈ જાય છે.

પણ આપણા પોતાના અને પરિવારના એક સારા અને સુખી જીવન માટે ક્યારેય પણ જુગાર રમવો નહિ, પછી ભલે તે ઓનલાઇન હોય કે ઓફલાઈન. આવા દૂષણોથી અને આની સાથે જોડાયેલા લોકોથી જેટલા દૂર રહો એટલું તમારા માટે સારું છે.