દરેક વસ્તુ ઓનલાઈન ઓર્ડર કરતા લોકો ચેતી જજો, નહિ તો અમદાવાદના આ ભાઈ જેવું થશે

0

મિત્રો, જમાનો ડિજિટલ થઈ રહ્યો થયો છે. એવામાં હવે મોટાભાગના લોકો સ્માર્ટફોન અને ઈન્ટરનેટનો ઉપયોગ કરતા થઈ ગયા છે. હવે તો કોઈ પણ વસ્તુની ખરીદી કરવી હોય તો ઘરે બેઠા બેઠા મોબાઈલ કે કમ્પ્યુટરની મદદથી થઈ જાય છે. કેમ કે હવે લગભગ દરેક વસ્તુની ઓનલાઈન ખરીદી કરી શકાય છે. તમે ઘરે બેઠા બેઠા ઇલેક્ટ્રોનિક સામાન, કપડાં, ઘર વખરીનો સામાન, દવાઓ, ફર્નિચર ગાડીઓ, જમવાનું વગેરે જેવી ઘણી બધી વસ્તુઓ ઓર્ડર કરી શકો છો, જે સીધી તમારા ઘરના દરવાજે પહોંચી જાય છે, તમારા એને લેવા જવાની પણ જરૂર નથી રહેતી.

પણ સાઈબર સિક્યુરિટી ઓછી હોવાને કારણે અને એ બાબતે લોકોના અપૂરતા જ્ઞાનને કારણે ઠગ લોકોનો આતંક વધી ગયો છે. આખા દેશમાંથી ઓનલાઇન ખરીદી કરતા લોકોને ઠગાવાના અનેક કેસો સામે આવી રહ્યા છે. સરકાર દ્વારા અને બેંક દ્વારા દેશની જનતાને આ બાબતે જાગૃત રહેવા જરૂરી જાણકારીઓ આપવામાં આવતી રહે છે. પણ ઠગ લોકો કોઈને કોઈ રીતે સામાન્ય માણસને પોતાની વાતોમાં ફસાવીને એમને લૂંટી લેતા હોય છે.

હાલમાં જ અમદાવાદ શહેરમાંથી એક એવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિએ ઓનલાઇન ફૂડ ઓર્ડર કર્યું હતું જેમાં તે ઠગાઈ ગયો હતો. અમદાવાદના એક વ્યક્તિને ઝોમેટોમાંથી મંગાવેલા 2 પીઝા 60 હજારમાં પડ્યા છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, અમદાવાદના થલતેજના સુરધારા બંગ્લોઝમાં રહેતા અને સાણંદમાં રેસ્ટોરાં ધરાવતા એક વ્યક્તિએ થોડા દિવસ પહેલા ઝોમેટોમાંથી 2 પીઝા ઓર્ડર કર્યા હતાં.

પણ તેમને એ પીઝા ખરાબ હોવાનો અનુભવ થતા તેમણે ઝોમેટોની હેલ્પલાઇનમાં ફોન કર્યો હતો, પણ તેમણે ફોન ઉપાડ્યો ન હતો. એવામાં થોડીવાર પછી અચાનક એમના મોબાઈલ પર કોઈ અજાણ્યા વ્યક્તિનો સામેથી કોલ આવ્યો, અને તેણે કહ્યું કે હું ઝોમેટોમાંથી બોલું છું. એટલે પીઝા ઓર્ડર કરનાર વ્યક્તિએ ઝોમેટોની હેલ્પલાઇનમાંથી કર્મચારી બોલતો હોવાનું માનીને એને ખરાબ પીઝા મળ્યા હોવાની વાત કરીને રિફંડ માંગ્યું.

તો પેલા વ્યક્તિએ કહ્યું કે એના માટે તમને એક લિંક મોકલી આપું છું, એમાં વિગત ભરી મેસેજ કરો એટલે તમારું રિફંડ કરાવી આપીશ. પછી અમદાવાદના ભાઈએ બધી વિગતો મેસેજ કરી દીધી. અને થોડી ક્ષણોમાં જ તેમના ખાતામાંથી 5000 ઉપડી ગયા. એ ઘટનાનાં થોડા દિવસ પછી અન્ય કોઈ અજાણી વ્યક્તિએ ફોન કરીને પીઝા ઓર્ડર કરનાર વ્યક્તિને કહ્યું કે, તમારા ડેબિટ થયેલા પૈસા પાછા મેળવવા માટે હું તમને એક મેસેજ મોકલું એ મેસેજ 3 વખત મને મોકલો. અને આ ભાઈએ 3 વખત મેસેજ મોકલ્યો એ પછી એમના એકાઉન્ટમાંથી 6 ટ્રાન્ઝેક્શન થયા અને કુલ 60,885 રૂપિયા ઉપડી ગયા.

આ રીતે ભોળપણમાં આવીને તેણે સામેવાળી વ્યક્તિના કહ્યા પ્રમાણે વિગતો ભરીને મેસેજ મોકલી દીધા અને સામે વાળા ઠગે એને લૂંટી લીધો. એ પછી તેણે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે બનેલી ઘટના વિશે જણાવ્યું અને પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મિત્રો, ધ્યાન રહે કે કોઈને પણ બેંકને લગતા મેસેજ, ઓટીપી, એટીએમ પિન, સીવીવી કોડ, યુપીઆઈ પિન વગેરે આપી દેવા નહિ. જો આવું કર્યું છે તો તમારું એકાઉન્ટ ખાલી થતા વાર નહિ લાગે.