શરમ કરો માણસો, તમારા પ્લાસ્ટિક ફેંકવાને કારણે એક ગાયના પેટમાં 52 કિલો પ્લાસ્ટિક જમા થઈ ગયું

0

જે પ્લાસ્ટિક તમે કાંઈ વિચાર્યા વગર ગમે ત્યાં ફેંકી દો છો, તેનું શું થાય છે એ તમે ક્યારેય વિચાર્યું છે? જણાવી દઈએ કે, કોઈ મશીન એનો નાશ નથી કરી શકતું. અને એનો નાશ થવા માટે હજારો વર્ષો થઈ જાય છે. આ બધી એવી વાતો છે જે આપણે બાળપણથી વાંચતા અને સાંભળતા આવ્યા છીએ. છતાં પણ આપણે આડેધડ રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું શરુ રાખ્યું છે.

આ પ્લાસ્ટિક જાનવરોના પેટમાં જાય છે. અને ફક્ત જમીન પરના જાનવરો જ નહિ, આપણે કરેલી આ ગંદકી સમુદ્રના જીવોના પેટમાં પણ જઈ રહી છે. The Hindu ના એક રિપોર્ટ પ્રમાણે તમિલનાડુના સર્જન્સે એક ગાયના પેટમાંથી 52 કિલોગ્રામ પ્લાસ્ટિક કાઢ્યું છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, તમિલનાડુ વેટરીનરી એન્ડ એનિમલ્સ સર્વિસીસ યુનિવર્સીટી (TANUVAS) ના સર્જનસે સાડા પાંચ કલાક લગાવીને ગાયના પેટમાંથી પિન્સ, સોય સહીત પ્લાસ્ટિકની ઘણી વસ્તુઓ કાઢી છે. પેટમાં આટલી બધી માત્રામાં પ્લાસ્ટિક હોવાને કારણે ગાયને ઘણો દુ:ખાવો થઈ રહ્યો હતો, અને તે દુઃખાવાને કારણે તે પેટ પર લાત મારી રહી હતી.

TANUVAS ના એસ. બાલાસુબ્રમણ્યમે જણાવ્યું કે, આ ઘટના ઉદાહરણ છે કે જે પ્લાસ્ટિકને લોકો એમ જ ફેંકી દે છે, એની જાનવરો પર કેટલી ખરાબ અસર થાય છે. આ ગાયને પી. મુનીરથનમે વેલોરથી 6 મહિના પહેલા ખરીદી હતી. ગાયે 20 દિવસ પહેલા જ વાછરડાને જન્મ આપ્યો હતો, પણ તે ફક્ત 3 લીટર દૂધ જ આપી રહી હતી. અને આ ગાયને શૌચમાં પણ સમસ્યા થઈ રહી હતી.

વેટરીનરી ક્લિનિકલ મેડિસિનના પ્રોફેસર પી. સેલ્વરાજે જણાવ્યું કે, મેન્યુઅલ રેકટર એક્ઝામિનેશન દરમિયાન પણ સમજમાં આવી રહ્યું હતું કે, પેટમાં પ્લાસ્ટિક છે. અમે એક્સ રે અને ઉલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું અને અમને ખબર પડી કે ગાયના રુમેન (ગાયના પેટના 4 ચેમ્બર્સમાંથી એક) ના 75 % ભાગમાં પ્લાસ્ટિક છે.

આપણા માણસોને કારણે જાનવરોના જીવ પર આવી બન્યું છે. વિચિત્ર વિડંબના છે કે જે દેશમાં ગાયને મોટાભાગના લોકો માં સમાન જુએ છે, ત્યાં ગાયની આવી હાલત છે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.