છોકરીઓ સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશીપ કરતા પહેલા જરૂર વિચારે, નહિ તો અમદાવાદની આ ટીચર જેવી હાલત થશે

0

ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વિકાસ પછી લોકોનું જીવન ઘણી હદ સુધી ઝડપી અને સરળ થઈ ગયું છે. આ વસ્તુઓ લોકોને એકબીજાની નજીક લાવી રહી છે. દેશ વિદેશમાં રહેતા અજાણ્યા લોકો પણ એકબીજાને ઓળખતા થઈ ગયા છે, અને દોસ્તી કરી રહ્યા છે. એટલે આ વસ્તુ સારી તો છે, પણ જેમ દરેક વસ્તુની સારી અને ખરાબ બે બાજુ હોય છે, એમ આની પણ ખરાબ બાજુ છે. અહીં એવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે, આજકાલ સોશિયલ મીડિયા પર ફ્રોડ થવાના ઘણા કેસો બની રહ્યા છે.

હાલમાં અમદાવાદની એક ટીચર સાથે બનેલો કિસ્સો એ યુવતીઓ માટે રેડ લાઈટ સમાન છે, જે સોશિયલ મીડિયા પર થતી ફ્રેન્ડશિપને ઘણી સિરિયસલી લઇ લે છે, અને એના માટે ખોટા નિર્ણય લઇ લે છે. આવો તમને એના વિષે જણાવીએ. અમદાવાદ શહેરના લાલદરવાજા ખાતે રહેતી એક ટીચરને ઇન્સ્ટાગ્રામ પર એક યુવક સાથે દોસ્તી થઈ હતી. અને એ યુવકે પોતે યુકે રહે છે એવું જણાવ્યું હતું.

એના થોડા સમય પછી તેણે એના માટે કિંમતી ગિફ્ટ મોકલી છે, એવું કહીને એ ટીચર પાસેથી 1.95 લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવીને એની સાથે છેતરપિંડી કરી હતી. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર લાલદરવાજા પાસે રહેતા મિનલબેન વિરલભાઇ સિદ્ધપુરા નામની 36 વર્ષીય ટીચર રહે છે. અને બીજાની જેમ એમનું પણ ઇન્સ્ટાગ્રામ પર તેમનું એકાઉન્ટ છે.

એવામાં જુલાઈ મહિનામાં તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક યુવકની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી, અને મિનલબેને એને એક્સેપટ કરી હતી. એ યુવકે પોતાનું નામ રાજેશ રાજકુમાર જણાવ્યું હતું અને તે યુકેમાં રહે છે એવું પણ કહ્યું હતું. એ પછી મેસેજ પર એમની વચ્ચે વાતચીત શરુ થઇ હતી, અને ધીમે ધીમે એમની મિત્રતા વધતી ગઈ.

મિત્રતા થયા પછી એમની વચ્ચે વોટ્સએપ નંબરની પણ આપ-લે થઇ હતી. એ પછી રાજેશે તેના માટે યુકેથી ગિફ્ટ મોકલવાની વાત કરી હતી. અને તે પાર્સલ છોડાવવા માટે એયરપોર્ટ પર 1-2 હજાર ચૂકવવા પડશે એવું કહ્યું હતું. એ પછી મિનલબેનના મોબાઇલ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો, જે રિસીવ કરવા પર કોલ કરનારે એમને જણાવ્યું કે, તમારું પાર્સલ આવ્યું છે અને તે છોડાવવા માટે 45 હજાર ચૂકવવા પડશે.

આટલી બધી કિંમત સાંભળતા મિનલબેને એના વિષે પૂછ્યું તો તેણે જણાવ્યું કે, પાર્સલમાં ગોલ્ડ જ્વેલરી, સિલ્વર જ્વેલરી, આઇફોન તથા 30 હજાર પાઉન્ડ મળીને કુલ 24 લાખની વસ્તુઓ છે. એ પછી એની વાતમાં આવીને મિનલબેને એ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ બેંક એકાઉન્ટમાં 45 હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. 45 હજાર મેળવ્યા પછી અલગ-અલગ વ્યક્તિઓએ મિનલબેન સાથે ફોન પર વાત કરીને એમના પાર્સલ પર કસ્ટમ ડયૂટી, એરપોર્ટ સિક્યોરિટી સહિતના અન્ય ચાર્જ લાગશે એવું કહીને કુલ 1.95 લાખ રૂપિયા એમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.

તો આ રીતે એ યુવકે પોતાના સાથીઓ સાથે મળીને 24 લાખની ગિફ્ટ મોકલી હોવાનું કહીને મહિલા પાસેથી 1.95 લાખ પડાવી લીધા, અને એમને કોઈ ગિફ્ટ મળ્યું નહીં. એ પછી પોતાની સાથે ચીટિંગ થઈ હોવાનું જણાતા મિનલબેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. અને પોલીસે રાજેશ રાજકુમાર સહિતની ટોળકી સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.