સુરતમાં એક વેપારીનું અપહરણ કરી બંદૂક દેખાડી માંગવામાં આવ્યા આટલા કરોડ, પછી….

0

ઘણા લોકો હવે નોકરી – ધંધામાં મહેનત કરીને ઇમાનદારીના પૈસા કમાવાની જગ્યાએ ખોટી રીતે પૈસા મેળવવા માટે ગુનાખોરીનો રસ્તો અપનાવી રહ્યા છે. જેના માટે તેઓ ચોરી, લૂંટફાટ, છેતરપિંડી, હત્યા, અપહરણ વગેરે જેવા ગુના આચરે છે. આ બધી વસ્તુઓ માણસને અધોગતિના રસ્તે લઈ જાય છે, પણ લોકો સમજતા અને આવા કામ કરીને ગુનેગાર બની જાય છે. એવામાં હવે કોઈનું અપહરણ કરીને ખંડણી માંગવાના બનાવો પણ ઘણા વધારે પ્રમાણમાં બની રહ્યા છે.

હાલમાં સુરત શહેરમાં પણ એક એવો બનાવ બન્યો છે. અહીં રાંદેર વિસ્તારના મેમણ વેપારીનું અડાજણ પાટિયા પાસે આવેલા ધનમોરા કોમ્પલેક્સ પાસેથી ગુરુવારે રાત્રે અપહરણ કરવામાં આવ્યું હતું. 4 લોકોએ તેનું અપહરણ કર્યા પછી તેને કારમાં બેસાડીને હોડી બંગલા સ્થિત એક ઓફિસમાં લઈ ગયા હતા, અને ત્યાં બંદુક દેખાડીને એની પાસેથી 50 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી.

પણ એ પછી એમણે વેપારીને 8 કરોડમાં વાત પતાવી દેવાનું કહીને તેની પાસેથી આંગડીયા મારફતે 50 લાખ રૂપિયા વસૂલાયા હતા, અને બાકીની રકમ પાછળથી આપવાનું કહીને બીજા દિવસે રિક્ષામાં બેસાડી ફઝલ ટાવર નજીક પાછો મૂકી દીધો હતો. એ પછી વેપારીએ રાંદેર પોલીસમાં આની ફરિયાદ કરતા, પોલીસે તપાસ શરૂ કરી હતી અને સલાબતપુરા પોલીસે આ કેસમાં સંકળાયેલા બે અપહરણકર્તાને ઝડપી પાડયાં હતા. પણ આ કેસમાં કઈંક બીજું રહસ્ય પણ છુપાયેલુ હોવાની શંકા છે.

સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, રાંદેરમાં અડાજણ પાટિયા સ્થિત રોયલ રેડીડેન્સીમાં રહેતા નવાજ અમીન જંદીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. તે મોબાઈલ એસેરીઝનો હોલસેલ અને ઓનલાઈન ધંધો કરે છે. અને એના ઓનલાઈનના ધંધામાં ચોકબજારનો શોએબ અમીન ગલાણી નામનો વ્યકતિ તેનો ભાગીદાર છે.

બનાવ બન્યો એ દિવસે એટલે કે ગુરૂવારે રાત્રે નવાજ અડાજણ પાટિયા, ધનમોરા કોમ્પલેક્સમાં આવેલ હેર આર્ટ સલૂનમાંથી દાઢી કરાવીને નીકળ્યો હતો. એ સમયે ત્રણ અજાણ્યા લોકો તેની પાસે આવ્યાં અને બળજબરી પૂર્વક નવાજને પોતાની સાથે એક કારમાં બેસાડી લઈ ગયા હતા.

કારમાં એમનો ચોથો શાથી હાજર હતો જેને જોઈને નવાજ ચોંકી ગયો હતો, કારણ કે તે તેના ભાગીદાર શોયેબનો બનેવી અફરોજ ઉર્ફે ફિરોજ દલાલ હતો. નવાજના જણાવ્યા અનુસાર, તેઓ તેને બળજબરી પૂર્વક કારમાં બેસાડીને હોડી બંગલા સ્થિત એક ઓફિસમાં લઈ ગયા અને ત્યાં તેને ગોંધી રાખ્યો. પછી તેમણે નવાજને બંદુક બતાવીને તેની પાસેથી 50 કરોડ રૂપિયા માંગ્યા હતા, અને તેને માર્યો હતો. પછી નવાજે એક આંગડિયા મારફતે 50 લાખ રૂપિયાની ગોઠવણ કરીને એમને અપાવડાવ્યા હતા.

પોતાના પાર્ટનરના બનેવીએ તેને કહ્યું હતું કે, આ લોકોનો જે હિસાબ છે તે આપી દે, અને પછી અપહરણકારોએ નવાજ પાસેથી 50 કરોડ રૂપિયા માંગ્યા હતા. એનો વિરોધ કરતા નવાજે એમને પૂછ્યું કે, શાના પૈસા? તો તેમણે કહ્યું હતું કે, તારી એક અઠવાડિયાથી રેકી કરીએ છે અને પછી તેમણે નવાજને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી અને એને ફટકાર્યો હતો. પછી છેવટે તેઓ 8 કરોડમાં વાત પતાવી દેવા તૈયાર થયા હતા. જેમાં 50 લાખ નવાજે એમને અપવડાવી દીધા અને બાકીની રકમ એક-એક કરોડ કરીને પાછળથી આપવાનો વાયદો કરીને તેને છોડી દેવામાં આવ્યો હતો.

એ પછી નવાજે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. અને પોલીસે એની સાથે આ ઘટના બાબતે પૂછપરછ કરી તો તેણે જણાવ્યું હતું કે, પોતે ઓનલાઇન ધંધો કરે છે એટલે એનો આંગડિયામાં રેગ્યુલર વ્યવહાર છે. અને 50 લાખ એણે આંગડિયા મારફતે વસીમ અકરમ પટેલ નામના એક વ્યક્તિને આપી દેવા કહ્યું હતું. તેણે પોલીસને જણાવ્યું હતું કે, પોતાના પાર્ટનરના બનેવી અફરોજ સાથે વાતચીત કરતા સમયે એના ત્રણ સાથીઓના નામ અકરમ, સઈદ અને અઝહર સંભળાયા હતા.

નવાજ ઘરે આવ્યો પછી તેના સગા સંબંધીઓએ તેના અપહરણકર્તાઓના ફોટા સોશીયલ મીડિયામાંથી મેળવીને વાયરલ કર્યા હતા. એવામાં સલાબતપુરા પોલીસના પીએસઆઇ પનારા, તેમના સાથી પોલીસ કર્મી ઇરફાન સૈયદ અને ઉત્તમભાઇને એવી બાતમી મળી હતી કે, રાંદેરના વેપારી નવાજનું અપહરણ કરનારા લોકોમાંથી રજીયુદ્દીન ઉર્ફે અઝહર કુત્બુદ્દીન કાજી અને વસીમ અકરમ પટેલ બંને અલમદીના હાઈટ્સ, મુગલીસરા, ચોકબજારમાં તેમના ઘર પાસે છુપાયા છે.

એ પછી પોલીસે તરત જ એમની શોધ કરીને એ બંનેને પકડી પાડયાં હતા. જેમાં પોલીસને તેમની પાસેથી 23 લાખ રૂપિયા રોકડા અને એક પિસ્તલ મળી આવી હતી જેને કબજે કરી લેવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસે જણાવ્યું હતું કે, શરૂઆતમાં વેપારી નવાજે જણાવ્યું હતું કે, તે તેનું અપહરણ કરનારને ઓળખતો નથી. એ પછી તેણે બધાના નામ જણાવ્યા, જેથી આ બનાવ લેતીદેતીનો હોવાની પોલીસને શંકા છે. પોલીસ આગળની તપાસ કરી રહી છે, જેમાં સત્ય શું છે? એની જાણ થશે.